કાડિયાવાડમાં ભૂલો પડ ભગવાન, કૌતુક દેખાડું શ્યામળા

સૌરાષ્ટ્રના બારોટો અમને કાડિયાવાડીઓને હુલાવવા-ફુલાવવા એક દુહો ગાતા ‘કાડિયાવાડમાં તું ભૂલો પડ ભગવાન, તને સરગ દેખાડું શ્યામળા.’ હવે ૨૧મી સદીમાં ભૌતિક-સ્વર્ગ તો તમારી નજર હોય તો જ જોવા મળે પણ દરેકે દરેક સૌરાષ્ટ્રવાસીનાં દિલમાં તો સરગ છે જ, (સ્વર્ગ). રાજકોટથી બે કલાકને રસ્તે ડુંગરા વચ્ચે પ્રાંસલા ગામ છે. ત્યાં ૧૮ ડિસેમ્બર ૨૦૦૮માં સૌરાષ્ટ્ર-ગુજરાત અને ભારતના ૧૩૦૦૦ વિધાર્થી-વિધાર્થિની એક આત્મબળ કેળવવાની સ્વામી ધર્મબંધુની શિબિરમાં ભેગા થયા હતા. તેમાં કા”લેજ અને સ્કૂલની ૬૫૦૦ વિધાર્થિઓ હતી.

તેમાં બિંદુ વિઠ્ઠલપરા નામની બળૂકી કા”લેજિયન અને કડવા પટેલની દીકરીને મળ્યો. મોરબીની આ કન્યા એમ. કોમ.નું ભણતી હતી. એમ. કોમ. કરીને તેને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એમ. એ.વિથ સાયકોલોજીનું આગળ ભણવું હતું. ખેડૂત પિતા ભણવા દેશે જ. પ્રાંસલામાં સ્વામી ધર્મબંધુએ આખા ભારતના અડધો ડઝન સાયન્ટિસ્ટોને બોલાવેલા. તાતા ઇન્સ્ટિ. ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ અને ભાભા એટમિક રિસર્ચના વિજ્ઞાનીઓ આવીને કોસ્મોલોજીથી માંડીને અણુ રિએકટર વિશે બાળક-બાલિકાઓને સમજાવતા હતા.

નવી દિલ્હીથી બોર્ડ સકિયુરિટી ફોર્સના પોલીસ આ”ફિસર પ્રેમસિંહ ચૌહાણ આવેલા. તે પ્રાંસલાના કેમ્પની યુવતીઓને રાઇફલ શૂટિંગ અને સ્વરક્ષા શીખવવા આવેલા. આ બધી ૮ દિવસના કેમ્પની તાલીમને અંતે બિંદુ નરભેરામ વિઠ્ઠલપરા નામની યુવતીનો ઇન્ટરવ્યૂ લઈ છેવટે પૂછ્યું ‘તારે શું થવું છે?’ તો કહે ‘મારે ડેપ્યુટી કમિશનર આ”ફ પોલીસ થવું છે!’ કાડિયાવાડમાં જયાં કણબી પટેલની દીકરીઓના પારણામાં હોય ત્યાં સગપણ થઈ જતાં અને ત્રીજું ધોરણ ભણાવીને ઉઠાડી મૂકતા ત્યાં એમ. એ. ભણીને સંતોષ નથી. તેથી એમ. કોમ. ભણીને પોલીસ આ”ફિસર થવાના સપનાઓ જોતી અનેક કન્યાઓ તમને સૌરાષ્ટ્રમાં દેખાશે.

સોરઠની હરિયાળી કે આંબાવાડી કે લહલહતી ખેતી કે ત્યાંના ભગરી ભેંશના દૂધ કે ગિરની ગાયોની ડોકનાં ઘંટડીના રણકાર સાંભળવા અમે દેશી ગીતમાં ભગવાનને ભૂલો પડીને કાડિયાવાડ આવવા કહેતા પણ આજે ૨૧મી સદીમાં મારે ભગવાનને કહેવું પડશે કે તું સૌરાષ્ટ્રની દીકરીયુંનું ખમીર જોવા તો એક દી સૌરાષ્ટ્ર આવજે જ. બીજી એક પટેલની દીકરીનું નામ દીપિકા અંબારામ છે. રાજકોટમાં તે સંસ્કૃત સાથે એમ. એ. થઈ છે. અને હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં સંસ્કૃત ડિપાર્ટમેન્ટમાં તેને આગળ ભણીને પ્રોફેસર થવું છે.

તે કહે છે ‘અમારી બહેન દીકરીઓ ભણીગણીને સંસારમાં જઈને પણ અઘ્યાત્મને આત્મસાત્ કરે, તેમ જ ખાસ કરીને આરોગ્ય સુધારે. એટલું જ નહીં, આ લોક સાથે પરલોક પણ સુધારે તેવું મારે પ્રોફેસર બની વિધાર્થીઓને કહેવું છે.’ નવાઈ માટે !!! આવા ચિહ્નો મુકાય છે. મારા જેવા અનુભવીને પણ એક ખેતી કરતા પટેલની પૌત્રી સંસ્કૃતની પ્રોફેસર થઈ તેના વિધાર્થીઓનાં પરલોકને સુધારવાની મહેરછા રાખે છે તેવો નક્કર આત્મવિશ્વાસવાળો રણકાર સાંભળી તમે ૧૦૦૦ આશ્ચર્યચિહ્ન મૂકી શકો. હવે તે થોડા વખતમાં પીએચ.ડી. થઈને ડો. દીપિકા બનવા માગે છે. તેને પૈસાની ખેવના નથી. તે ઋગ્વેદ અને વિષ્ણુપુરાણનો અભ્યાસ કરી ચૂકી છે. ઘરે લાઇબ્રેરી છે. અદ્ભુત અદ્ભુત!

અમદાવાદ-મુંબઈમાં કરોડપતિઓને ઘરે મેં લાઇબ્રેરી જોઈ નથી. દીકરીઓના ધનિકોને ઘરે જુદા જુદા ડ્રેસના બબ્બે કબાટો જોયા છે પણ અહીં એક એક કન્યાને મળો તો લાગે કે ભારતનું કૌવત, ભારતનું ગૌરવ, ભારતનું ભાવિ બળ ગામડાંમાં અને નાનાં શહેરોમાં છુપાયેલું પડયું છે.

‘ધ ઇકોનોમિસ્ટ’માં કવર સ્ટોરી હતી કે ‘ચાયના એન્ડ ઇન્ડિયા-એ ટેઇલ ઓફ ટુ વુલનરેબલ-ઇકોનોમિઝ.’ આપણા આ લેખ માટે એ મથાળાનું હું અર્થઘટન કરું તો આ ૮૦૦૦ માઈલ છેટે બેઠેલું આર્થિક સાપ્તાહિક જેમાં અર્ધદગ્ધ ભાડૂતી ભારતીય અર્થશાસ્ત્રીઓ દૂર દૂર મુંબઈ કે કોલકાતા કે દિલ્હી બેસીને ભારતનાં અર્થતંત્ર ઉપર ધડામ દઈને તેમનું ઉપરછલ્લું જજમેન્ટ આપી દે છે. કહે છે કે ભારતનું અર્થતંત્ર વુલનરેબલ છે.

ભારતનું અર્થતંત્ર છીછરું છે. વીંધાઈ જઈને તૂટી પડે તેવું છે. આ વાંચીને મારું અર્થશાસ્ત્રનું જે થોડું ઘણું જ્ઞાન છે તે જોતાં મારું કાળજું બળી ગયું. ‘વુલનરેબલ’ એટલે શું કહેવા માગે છે? અને ભારતમાં અર્થતંત્રનો આ ટેબલ પંડિતો શું અર્થ કાઢે છે?

(૧) શું ભારતમાં શોપિંગ મા”લ ઠેર ઠેર હોય અને આખું ભારત ઠંડાપીણા પીતું હોય અને અમેરિકાના જંકફૂડ કે મેકડોનાલ્ડઝના નાસ્તા કરતું હોય તો ભારતનું અર્થતંત્ર મજબૂત ગણાય?

(૨) શું અમેરિકાના ભૂંડા જિનેટિકલી મોડિફાઇડ બિયારણો મોંઘા ભાવે ખરીદી શકે તો ભારતનું અર્થતંત્ર તગડું અને અભેધ ગણાય?

(૩) શું મિલ્ટનેશનલ કંપનીઓ ભારતના ઉપભોગકર્તાને ચૂસવાનો પૂરો પરવાનો મેળવીને ભારતમાં તેનો માલ છૂટથી ઘુસાડે અને મબલક નફો કરે તેને ભારતનું અર્થતંત્ર તગડું મનાય?

(૪) શું શેરબજારમાં કાળાંધોળાં નાણાં લાવીને સટ્ટો કરીને શેરબજારના સેન્સેકસને સતત ઊચો કરે તો ભારતનું અર્થતંત્ર અભેધ (ઇનવુલનરેબલ) ગણાય?

તમે જરાક ભારતનાં ઓરિસ્સાથી હરિયાણા અને સૌરાષ્ટ્રથી વિશાખાપટ્ટનમ સુધીના ગામડાં જોઈ આવો. અમારા ગામડાઓમાં શિક્ષણનો જબરજસ્ત વિસ્ફોટ જાગ્યો છે. કોલેજોમાં-સ્કૂલોમાં આદિવાસી, અસ્પૃશ્યો અને ખેડૂતોની કન્યાઓ ઊચું ભણતર ભણવા માંડી છે. ભારતનું કૌવત આ માનવબળમાં છે-બુદ્ધિબળમાં છે. શેરબજાર વુલનરેબલ છે. અંબાણીઓની કંપનીઓ કે તાજમહાલ હોટેલ વુલનરેબલ છે પણ અમારા કાડિયાવાડનો દાખલો લઈએ તો ‘ધ ઇકોનોમિસ્ટ’ની વ્યાખ્યા પ્રમાણે વુલનરેબલ નથી જ નથી. હા એક વાત સ્વીકારવી પડે.

આ જગતમાં કોણ વુલનરેબલ નથી? વિશાળ પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો અમેરિકા પણ વુલનરેબલ છે. તેના ન્યૂ યોર્ક ટ્રેડ સેન્ટરને ઘ્વસ્ત કરી શકાય છે. તેની ૧૩-૧૪ વર્ષની છોકરીઓને સેકસમાં પાડી શકાય છે. ગાંજો કે ચરસ પીતી થાય છે. અરે ધ ઇકોનોમિસ્ટના તંત્રીઓની દીકરીઓનું તે તંત્રી ઘ્યાન ન રાખે તો તેને પણ ભગાડી શકાય કે તેને ગંજેરી બનાવી શકાય તેવી તે વિદ્વાન તંત્રીઓની દીકરીઓ વુલનરેબલ છે પણ અમારું સ્ત્રીધન, ખાસ કરીને ગામડાનું સ્ત્રીધન તમારા પિશ્ચમના દેશ જેટલું વુલનરેબલ નથી જ નથી. અહીં ફ્રાંસલામાં રોજ ૧૩૦૦૦ યુવા લોહીને સ્વામી ધર્મબંધુનું રસોડું કોઈ વખત શુદ્ધ ઘીનો અડદિયાપાક અને રગડા જેવા ગાયનાં દૂધ પિવડાવતા હતા.

કાડિયાવાડની ઘોડીઓ કે ઘોડા લાવીને આંધ્ર, ઓરિસ્સા બંગાળ અને કેરળ-તામિલનાડુની છોકરીઓને ઘોડેસવારી શીખવાતી હતી. માસ્ટર આર્ટ અને જૂડો-કરાટે શીખવીને ત્રાસવાદીને કેમ ઝબ્બે કરવા તે પ્રાંસલા ગામના આશ્રમમાં શીખવાતું હતું. પંજાબી છોકરીઓ સાથે રાજસ્થાન અને સૌરાષ્ટ્રની છોકરીઓ રાઇફલ શૂટિંગ શીખતી હતી. બધાં જ બાળકો ૪ વાગ્યે ઊઠી જતા હતા. આણંદથી આટ્ર્સ કોલેજમાં ૫૧૭ જેટલા વિધાર્થી-વિધાર્થિની આવેલાં. શેરબજારના સેન્સેકસ કે ‘ઇકોનોમિસ્ટ’ જે ગ્રોસ ડુમેસ્ટિક પ્રોડકટ ઉર્ફે જીડીપીની મોકાણ માંડે છે પણ અમે એ પ્રોડકટને ગણતા નથી. અમારી ગ્રોસ નહીં પણ નક્કર પેદાશ આ યુવાબળ છે.

સ્વામી ધર્મબંધુના કહેવા પ્રમાણે આ શિબિર ચાર વર્ષથી યોજાય છે. અહીં ધર્મધુરંધરો, વિજ્ઞાનીઓ, મહાત્માઓ આવેલા. મહાભારત ટીવી સિરિયલના ભીષ્મપિતામહ મુકેશ ખન્ના આવેલો. તાતા ઇન્સ્ટિ.ઓફ ફંડામેન્ટલ રિસર્ચના અવકાશ વિજ્ઞાનીઓ સાથે કો. સૌરાષ્ટ્રની છોકરીઓ તેમને અવકાશ વિજ્ઞાનના પ્રશ્નો પૂછતી. ‘નાસા’માં મિસાઇલ ગાઇડેડ શસ્ત્રોના નિષ્ણાત ગણાતા ડો. આર. કે. ત્યાગી ન્યૂ યા”ર્કથી આવેલા. ન્યૂ યોર્ક યુનિ.ના ફિલોસોફર અશોક મલ્હોત્રા આવેલા. આ મલ્હોત્રા સાહેબ બાળકોને સાદાઈ અને પ્રામાણિકતાનો ઉપદેશ આપતા હતા અને ‘યસ વી કેન’નું સૂત્ર બોલાવતા હતા.

જામનગરના ભરવાડનો દીકરો અહીં આવેલો. તેના પિતા બાળપણ મૃત્યુ પામતા દાદાએ ઉછેર્યોહતો. તેને તેના દાદાએ દૂધમાં પાણી ભેળવવાનું કહ્યું. કાના ભરવાડ નામના યુવાને શિબિરમાં આવ્યા પછી કહ્યું. ‘હું ભૂખે મરીશ પણ દૂધમાં પાણી નહીં ભેળવું.’ તે કુટુંબથી અલગ થઈ મજૂરી કરીને ભણ્યો. બીજો એક શિબિરાર્થી ગ્રેજયુએટ થયો. ગુજરાતમાં શિક્ષક થવા રૂ. ૫ લાખની લાંચ આપવી પડે છે. તે શિબિરાર્થી ગ્રેજયુએટે શિક્ષક થવા લાંચ ન આપી. આજે તે રાજકોટ એરપોર્ટમાં સામાન ચેક કરનારા શ્રમિક બનીને તેના ગ્રેજયુએટની ડિગ્રી અને કાડિયાવાડના ગૌરવને દીપાવે છે. તો ‘ઇકોનોમિસ્ટ’ સાહેબો, અમારું આ ગૌરવ અને ખુમારી ઇનવુલનરેબલ છે. તમારા શહેરી અર્થતંત્રો કે પિશ્ચમની સમૃદ્ધિનાં ધોરણો જાય જહાન્નમમાં.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s