મન : મુક્તિ અને બંધનનું કારણ

મન મૂર્ત, અમૂર્ત તમામ પદાર્થોના સંબંધમાં ચિંતન કરવાની ક્ષમતા ધરાવે છે. મનની આ ચંચળતા મનુષ્ય માત્ર માટે એક મોટી સમસ્યા છે કારણ કે ચંચળતાને કારણે મન એકાગ્ર થઈ શકતું નથી. મનની આ ચંચળતા સફળતામાં બાધક છે કારણ કે આવી સ્થિતિમાં મનુષ્ય નિર્ણય કરી શકતો નથી. મન એકાગ્ર થઈ જાય તો સફળતાના દ્વાર આપોઆપ ખૂલી જાય છે.

જીવનમાં જે બને છે તે પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે મનનું જ કારણ હોય છે. મનમાં ઉત્પન્ન થનાર સંકલ્પ – વિકલ્પ અને વિચાર- તરંગોને જો શાંત કરી દેવામાં આવે તો અંતરમન પર તમામ બાબતો સ્પષ્ટ થઈ જાય છે. જેમ તળાવમાં ઉત્પન્ન થતાં વમળો શાંત થઈ જાય છે તેમ તળાવનું તળિયું સ્પષ્ટ દેખાય છે. મન એ એક સમસ્યા છે. મનમાં ઉત્પન્ન થનારા વિચારો ચારે બાજુ વાદળો ઉત્પન્ન કરે છે. જેમાં એક ધૂંધળું વાતાવરણ બને છે અને સ્પષ્ટતા તેમાં ક્યાય ખોવાઈ જાય છે. જ્યારે ચારે બાજુ વાદળ હોતાં નથી ત્યારે આપણે સૌ સહજ અસ્તિત્વમાં હોઈએ છીએ અને બધું સ્પષ્ટ જણાઈ આવે છે.

આવી સ્થિતિમાં મનની ચંચળતા પર કેવી રીતે નિયંત્રણ અને એકાગ્રતા લાવી શકાય ? વગેરે પ્રશ્નોના ઉત્તર મેળવતાં પહેલાં જાણી લઈએ કે આખરે મન એ શું છે ? ભારતીય દર્શનમાં મનને ખૂબ જ સ્થૂળ કહ્યું છે જ્યારે જૈનદર્શનમાં તેને પુદ્ગલ (સૂક્ષ્મ- જડ તત્ત્વ)થી બનેલું છે તેમ કહેવામાં આવ્યું છે. તે સ્થૂળ હોવા છતાં મનમાં ચંચળતા કેમ ઉત્પન્ન થઈ ? જૈનદર્શન આ પ્રશ્નનો ઉત્તર ચિત્તના માધ્યમથી આપે છે. જૈનદર્શન અનુસાર મન અચેતન છે અને ચિત્ત એ ચેતનયુક્ત છે. ચિત્ત આપણી અંદરની સમગ્ર ચેતનાનું પ્રતિનિધિત્વ કરે છે. મન પણ ચિત્તનો સ્પર્શ પામી ચેતન થઈ જાય છે.

વેદાન્ત ગ્રંથોમાં અંતઃકરણ ચતુષ્ટય, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારનું વર્ણન છે. ચિત્ત ચેતન છે. આ પ્રથમ અનુભૂતિ છે. ચેતના બાદ બીજી અનુભૂતિ છે. અહંકાર અર્થાત્ ‘હું’ના અસ્તિત્વનું ભાન, મન ત્રીજું ચરણ છે. જેનું કાર્ય ચિંતન કરવાનું છે, સંકલ્પ – વિકલ્પ કરવાનું છે. બુદ્ધિ અંતઃકરણ ચતુષ્ટયનું ચોથું ચરણ છે. જેનું કાર્ય મનમાં ઊભા થતા વિકલ્પોમાંથી કોઈ એકની પસંદગી કરવી. આ રીતે પતંજલિ યોગમાં પણ ચિત્તને જ ચેતનશક્તિ કહેવામાં આવી છે. આમ સૌથી પહેલાં ચિત્તને શાંત કરવું અનિવાર્ય હોય છે. બુદ્ધ પણ કહે છે કે મન જ એક એવું માધ્યમ છે જેના થકી મનુષ્ય પ્રકાશને પ્રાપ્ત થાય છે.

મન એ મનુષ્યમાં ઈચ્છાશક્તિનું બળ છે. આ પ્રકારનો આદર્શ રાખવાથી ઈચ્છાશક્તિને ક્રિયાશીલ બનાવી શકાય છે. આ ઈચ્છાશક્તિના માધ્યમથી મનને જે દિશામાં લઈ જવું હોય ત્યાં લઈ જઈ શકાય. મન જ આપણને જીવનરૃપી કારાગારમાં કેદી બનાવે છે અને મન જ તે કેદમાંથી મુક્ત કરાવે છે. આપણું જીવન સમ્યક દૃષ્ટિવાળું હોય તો તે ખરા અર્થમાં સફળ બને છે.

ચેતન વિભિન્ન સંસ્કારોથી પ્રભાવિત છે. તેની નિર્મળ ધારા આગળ આવે છે. રાગદ્વેષ રહિત થઈ જાય છે. ચેતનાની સાથે જે મલિનતા ભળે છે તેનાથી આસક્તિ, અજ્ઞાન, રાગ-દ્વેષ ઉત્પન્ન થાય છે. આ પ્રકારે મન-સાધનામાં જૈનદર્શન બુદ્ધદર્શનથી નજીક છે પરંતુ મનની સ્વચ્છતા માટે તે ચિત્તને આધાર બનાવે છે. મર્હિષ પતંજલિ જણાવે છે કે ચિત્તવૃત્તિઓને રોકવી અને મનને અંતર્મુખી બનાવવું તે જ યોગ છે. યોગનો અર્થ થાય છે ‘સ્વ’થી યોગ.

જ્યારે મનુષ્યને સ્વના અસ્તિત્વનું ભાન થઈ જાય છે ત્યારે મન સમાપ્ત થઈ જાય છે. આ રીતે મન – સાધના માટે પતંજલિ પણ ચિત્તસાધનાના માર્ગ ને જ બતાવે છે પરંતુ પતંજલિ ચિત્તને જ સ્થૂળ સ્વરૃપમાં સ્વીકાર કરે છે.

ચિત્ત સ્વભાવથી જડ છે પરંતુ આત્માના સંપર્કમાં રહેવાથી તે પ્રકાશિત થઈ જાય છે. આ રીતે પતંજલિ દર્શનમાં ચિત્ત અને મનની વચ્ચે કોઈ વિશેષ ભેદ નથી. ચિત્તની સાધના માટે અષ્ટાંગ માર્ગ બતાવવામાં આવેલો છે. જેમાં શારીરિક અને માનસિક શુદ્ધિ ઉપરાંત ચિત્તની એકાગ્રતાનું ચરણ આવે છે. જેને ‘ધારણા’ કહેવામાં આવે છે. ધારણાનો અર્થ છે ચિત્તનું કોઈ પણ વિષય પર એકાગ્ર થવું. આ સ્થિતિમાં ચિત્તના બધા જ સંકલ્પ – વિકલ્પ સમાપ્ત થઈ જાય છે.

પતંજલિ યોગસૂત્રની જેમ જૈનદર્શન પણ મનની એકાગ્રતાને સ્વીકારે છે. તેના અનુસાર એ બે મનની ભૂમિકાઓ છે. મનના ભટકી જવા પર નિયંત્રણ લાવીને તેની સાથે સંબંધ સ્થાપવો જરૃરી બને છે. આ ધારણાની સ્થિતિ છે.

જ્યારે આપણું મન ધ્યાનમાં નથી રહેતું ત્યારે તણાવગ્રસ્ત રહે છે. તણાવના સમયે મન એક વિચારથી બીજા વિચારમાં જલદીથી ખેંચાઈ જતું હોય છે. અશાંતિથી થાકીને તે સાવ તૂટી જાય છે. ધ્યાનથી ચંચળતા દૂર થાય છે. જ્યારે આપણે એકાગ્રતા કેળવીએ છીએ ત્યારે મનમાં અનેક વિચાર ઊઠે છે અને ચંચળતાથી છુટકારો મળે છે. જો આપણે મનની ગતિને સમજીએ તો પણ શાંતિ મળે છે. આપણે વિચારોને ઓળખવા, પરંતુ તેની સામે પ્રતિક્રિયા ન આપવી. આ પણ એક ધ્યાનનો લાભ છે.

જો આપણે એકાગ્રતા કેળવવાનો પ્રયત્ન કરીએ અને મનમાં ઊઠતા વિચારોના સાક્ષી બની રહીએ તો ધીરે ધીરે ખોટા વિચાર આવતા જ બંધ થઈ જશે. આપણા માનસિક તણાવ અને દબાણ ઘટતા જશે. પ્રત્યેક વ્યક્તિ આ રીતે એકાંતમાં બેસીને થોડો સમય એકાગ્રતા કેળવવા અંતરાત્મામાં ડૂબી જાય તો તેનામાં નકારાત્મક વિચારો આવતા બંધ થશે અને એક પ્રકારે સાકારાત્મક ઊર્જા શરીરમાં ઉત્પન્ન થવા લાગશે. ધ્યાનનું એક મહત્ત્વનું પરિણામ એ પણ છે કે અંતરાત્માના ઉંડાણમાં જતા સ્કૂરિત થતી શાંત અવસ્થાનો આભાસ આપણને થવા લાગે છે.

આજનો યુગ એ ટેકનોલોજીનો યુગ છે, બીજું કે લોકો સતત પોતાની નોકરી અને વ્યવસાયમાંથી સમય કાઢી શકતા ન હોવાથી સતત માનસિક તણાવમાં જ રહેતા હોય છે. સતત ભાગદોડવાળી જિંદગીમાં ફુરસદનો સમય મેળવવો એ પણ તેમના માટે અઘરો બની ગયો છે ત્યારે તણાવમાંથી મુક્ત થવા એકાગ્રતા કેળવવી એ ખૂબ જ જરૃરી બની રહે છે.

જેઓ નિયમિત રીતે ધ્યાન કેળવતા રહે છે તેઓને અવશ્ય શાંતિ મળે છે. શાંત મન એ કોઈ પણ જાતનું કાર્ય પૂરું કરવા માટે સક્ષમ હોય છે. આમ શાંત મગજ ધરાવનારને કાર્યમાં જલદીથી સફળતા મળે છે. જ્યારે અધીરા અને ચંચળ, અસ્થિર મનવાળી વ્યક્તિઓને સફળતા મેળવવી ખૂબ જ અઘરી બની રહે છે. આમ આ ભાગદોડમાં ધ્યાન ધારણા એ શાંતિપદ વિરામ છે. ક્યારેક આપણે અમુક પરિસ્થિતિઓમાં માનસિક સમતુલા ગુમાવી દઈએ છીએ ત્યારે ચિત્તની એકાગ્રતા આપણા મનને શાંત પાડે છે.

One thought on “મન : મુક્તિ અને બંધનનું કારણ

  1. જ્યારે મનમાં કોઈ પણ સ્પંદનો નથી હોતાં-કોઈ વીક્ષોભ નથી હોતો ત્યારે મન હોતું જ નથી. આથી શાંત મન એ પરસ્પર વીરોધી શબ્દપ્રયોગ ગણી શકાય. ખરેખર તો એને શાંત ચીત્ત કહેવાય. અને એને ધ્યાન કહી શકાય, એકાગ્રતાને નહીં. હા, એકાગ્રતા દ્વારા એ સ્થીતી પ્રાપ્ત કરવામાં સહાયતા મળે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s