ઠંડાપીણાંથી ‘કેન્સર’નો ખતરો

Ketan Dave, Ahmedabad

આગ ઝરતી ગરમીમાં કુલ થવાનો ફન્ડા ઠંડાપીણાં પીવાનો જ છે. કમનસીબે કયા ઠંડાપીણાં પીવાથી બળબળતી ગરમીમાં શરીરને ટાઢક મળે તેની ભેદરેખા ભૂંસાઈ જવા પામી છે. એક સમયે વરિયાળીનું શરબત, લસ્સી, છાશ, લીંબુ પાણી વગેરેનો મહિમા હતો.

વિવિધ ફ્રૂટ જયૂસ અને ફ્રૂટ ડીશ હજુ પણ એક વર્ગમાં ફેવરિટ છે. પણ ખાસ કરીને યુવાવર્ગ દેખાદેખીમાં અને અંજાઈને કેટલાક એવા ઠંડાપીણાં પીવે છે જે વાસ્તવમાં ગરમી સામે રક્ષણ આપી શકતા નથી. ઊલટાનું લાંબાગાળે શરીરને હાનિ પહોંચાડી શકે છે.

છેલ્લા કેટલાક સમયથી દરેક બાબતોમાં પિશ્ચમનું આંધળું અનુકરણ કરતા દેશના યુવાનોને ઠંડાપીણાંનું વળગણ એટલી હદે વળગી ગયું છે કે હવે આ પરિસ્થિતિ ચિંતાજનક બની રહી છે. નિયમિત ઠંડાપીણાંના સેવનથી કેન્સર જેવી બીમારીઓ પણ થવાની શકયતા હોવાનું શહેરના તબીબો જણાવી રહ્યા છે, માત્ર દેખાદેખી ખાતર જ પીવાતા આ ઠંડાપીણાંથી શારીરિકની સાથે સાથે ઘણી માનસિક આડઅસરો પણ થઇ શકતી હોવાથી તબીબો શહેરના યુવાધનને હવે ઠંડાપીણાંથી દૂર રહેવા જણાવી રહ્યા છે.

ફિઝિશિયન ડો. અશ્વિન ગઢવીએ જણાવ્યું હતું. કે ઠંડાપીણાં પીવાથી શરીરને કોઇ જ વિટામિન, કેલ્શિયમ કે પ્રોટીન મળતાં નથી, પરંતુ તેમાં રહેલા સ્યુગર તથા કેફીન જેવાં તત્ત્વોને કારણે શરીરને અતિશય નુકસાન થાય છે. જો નિયમિત રીતે ઠંડાપીણાં પીવામાં આવે તો તેમાં રહેલા આ જોખમી તત્ત્વોને લીધે શરીરમાંથી કેલ્શિયમ વિટામિન તથા પ્રોટીન ઘટે છે. એટલું જ નહીં ઠંડાપીણાંના અતિશય સેવનને લીધે પેશાબની કોથળીનું કેન્સર થવાની પણ શકયતા હોવાનું ડો.અશ્વિન ગઢવીએ જણાવ્યું હતું.

જયારે શહેરના અગ્રણી ડોકટરના જણાવ્યા અનુસાર ઠંડાપીણાંની કંપીઓનું હાલમાં ટાર્ગેટ માત્ર યુવા વર્ગ જ છે. અને યુવા વર્ગને પણ હવે સ્ટેટસ સિમ્બોલ તરીકે માત્ર ફાસ્ટ ફૂડ તથા ઠંડાપીણાં જ દેખાતાં હોય શહેરના યુવાનો વધારે પ્રમાણમાં ઠંડાપીણાંનું સેવન કરી રહ્યા છે. જેને કારણે તેમાં રહેલાં તત્ત્વોથી ઘણી વખત પેટમાં ચાંદા પડવા, આંતરડા તથા પાચનતંત્ર નબળું પડી જવું. તથા તેમાં રહેલા કેટલાક પદાર્થોને લીધે ઠંડાપીણાંનું એક પ્રકારનું વ્યસન થઇ જાય છે જે પણ ખૂબ જ જોખમી છે.

આ ઉપરાંત ઠંડાપીણાંથી માણસોનો સ્વભાવ ચીડિયો થઇ જાય છે માટે હવે બને ત્યાં સુધી યુવાનોએ ઠંડાપીણાંથી દૂર રહેવું જોઇએ મનોચિકિત્સક હેમાંગ દેસાઇના મતે આ પીણાંના સેવનથી તેમાં રહેલા કેફીન જેવાં તત્ત્વોને લીધે મગજની ઉત્તેજના વધી જાય છે. જેનાથી જે તે વ્યકિતની માનસિકતા સ્થીર રહેતી નથી અને સ્વભાવ પણ ચીડિયો થઇ જવાની શકયતા રહે છે. તેવા વિદેશોમાં સંશોધનો થયાં હોવાનું ડો. દેસાઇએ જણાવ્યું હતું.

તો બીજી તરફ ઓનેસ્ટ રેસ્ટોરંટના સંચાલક વિજય ગુપ્તાએ જણાવ્યું હતું કે કયારેય કોઇને ઠંડાપીણાં પીવાની ઇરછા થતી નથી, પરંતુ યુવાવર્ગ ફિલ્મસ્ટાર્સ, ખેલાડીઓ તથા અન્ય સેલિબ્રિટીને જે તે ઠંડાપીણાંની જાહેરાતમાં ઠંડાપીણાં પીતા જોઇ તેમનું અનુકરણ કરવા દેખા દેખીમાં તેઓ ઠંડાપીણાં પીતા હોય છે. જેનાથી શરીરને કોઇ ફાયદો થતો નથી, માત્ર નુકસાન જ થાય છે.

ઘણી વખત આ ઠંડાપીણાંની બોટલોમાંથી ગુટખા કે અન્ય કચરા ઉપરાંત મરેલા જીવજંતુઓ પણ મળી આવ્યાં હોવાના બનાવો પ્રકાશમાં આવવા છતાં યુવાવર્ગ ઠંડાપીણાંના વળગણમાંથી મુકત થતો નથી તે ચિંતાનો વિષય હોવાનું કન્ઝ્યુમર એજયુકેશન રિસર્ચ સેન્ટરના સંચાલક પ્રીતિબહેન શાહે જણાવ્યું હતું.

પ્રીતિબહેને જણાવ્યું હતું કે દુનિયાભરમાં આ ઠંડાપીણાંમાં રહેલાં અમુક તત્ત્વોથી શરીરને ખૂબ જ નુકસાન થતું હોવાના સંશોધનો થયાં હોવાં છતાં સેલિબ્રિટી તથા પિશ્ચમી દેશોનું આંધળું અનુકરણ કરી રહેલા દેશના યુવાનો ઠંડાપીણાંનું સેવન કરી પોતાના શરીરને નુકસાન કરી રહ્યા છે.

Leave a comment